છત્રપતિ સાંભાજીનગરમાં યોજાયેલા એક પત્રકાર પરિષદમાં AIMIM પ્રમુખ અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનના આતંકવાદ માટેના મદદરુપ કાર્યો અંગે કડક પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે પાકિસ્તાનને ફરીથી FATFની ગ્રે લિસ્ટમાં મૂકવું જોઈએ, કારણ કે તે ગેરકાયદે નાણાંથી આતંકવાદને ફંડિંગ કરી રહ્યો છે.
ઓવૈસીએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો હેતુ હિંદુ ભાઇઓની હત્યા કરીને ભારતના હિંદુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે દંગલ સર્જવાનો હતો અને કાશ્મીરની યાત્રા માટે હિંદુઓને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તેમણે દેશવાસીઓને રાજકીય મતભેદ ભૂલીને દેશની એકતા જાળવવા અપીલ કરી. ઓવૈસીએ એમ પણ કહ્યું કે, “ISI અને પાકિસ્તાનની ગૂઢ સત્તાઓ હંમેશા ભારતના આંતરિક શાંતિને ખંડિત કરવાનો પ્રયત્ન કરે છે.”
ઓવૈસીએ ભારત સરકારે પાકિસ્તાન સામે સાઇબર હુમલો, નૌકાદળ અને વાયુસેનાની આર્થિક નાકાબંધી જેવા પગલાં પણ વિચારવા જોઈએ તેવી વાત કરી. તેમણે જણાવ્યું કે “ભારતનું રક્ષાબજેટ આખા પાકિસ્તાનના બજેટ કરતાં મોટું છે અને પાકિસ્તાન આજે પણ ભારતમાં કરતાં ૩૦ વર્ષ પાછળ છે.”
બિલાવલ ભુટ્ટોના ભારતીયો સામેના નિવેદનનો જવાબ આપતા ઓવૈસીએ કહ્યું કે, “તમારી પોતાની માતા બેનઝીર ભુટ્ટો આતંકવાદીઓના હથેળે માર્યા ગયા હતા. જ્યારે તમારી માતાની હત્યા આતંકવાદ છે, ત્યારે અમારા માતા-બહેનોના મોતનું શું? તે પણ તો આતંકવાદ છે!”
પહેલગામ હુમલાની સાથે સુરક્ષાની બેદરકારી અંગે પણ ઓવૈસીએ પ્રશ્નો ઉઠાવ્યા અને “બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈક પછી પણ કેમ આવા હુમલા થઈ રહ્યા છે?” તે બાબતે જવાબદારી નિશ્ચિત કરવાની માંગણી કરી.
અંતે ઓવૈસીએ કાશ્મીરીઓ વિરુદ્ધ કોઈ પ્રકારના વૈમનસ્ય ફેલાવવાનું વિરોધ કરતા કહ્યું કે, “કાશ્મીરીઓ આપણા દેશનો અભિન્ન ભાગ છે અને આતંકવાદના સૌથી મોટા ભોગ બન્યા છે. જો આપણે તેમને નિશાન બનાવશું, તો પાકિસ્તાન અને લશ્કર-એ-તૈયબા ખુશ થશે. આપણે એમના મકસદોને નિષ્ફળ બનાવવાં છે.”